Tuesday, December 28, 2010

અભિનેત્રી

તારિકા મહેતાએ આજે તેના 69મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો. જોકે તેની જીવનકથનીને જોતાં આ પ્રવેશને અમંગળ પ્રવેશ કહી શકાય. તારિકા મહેતા ચંદુલાલ મંડળીવાલાનું એક માત્ર સંતાન હતી. ચંદુલાલ એક જમાનામાં નાટકની બહુ જ પ્રતિષ્ઠિત મંડળી રંગબહાર ચલાવતા હતા. તારિકાના જન્મ બાદ મંડળીમાં દિવસે ન થાય તેટલી રાતે અને રાતે ન થાય તેટલી દિવસે પ્રગતિ થવા માંડી હતી. જોકે તારિકાના જન્મ બાદ પત્ની સરિતાનું ટૂંકી માંદગીમાં અવસાન થયું હતું પરંતુ તે વાતને ચંદુલાલે ધ્યાન ઉપર નહોતી લીધી. ચંદુલાલ તારિકાને ખૂબ જ શુકનવંતી માનતા હતા અને તેમની પુત્રી એક દિવસ ખૂબ જ ઉત્કૃષ્ટ અભિનેત્રી બનીને માત્ર મંડળીનું જ નહીં પરંતુ સમગ્ર કુળનું નામ ઉજાળશે તેવું ચંદુલાલ 1940ના દાયકાના રૂઢિચુસ્ત સમાજમાં પણ માનતા હતા. એક ઉત્કૃષ્ટ અભિનેત્રી એટલે કે તારિકા જ હોય ને તેમ વિચારીને ચંદુલાલે એકની એક દીકરીનું નામ તારિકા પાડ્યું હતું,

પરંતુ બાંધ્યા કરમની કોને ખબર હોય છે? તારિકાએ જેવો 14મા વર્ષમાં પગ મૂક્યો કે તરત જ તેનું હૈયું અને મન મરકટની જેમ ઉછળકૂદ કરવા લાગ્યાં. 14 વર્ષની તારિકા જોબનથી છલકતી કીશોરી હતી. ગામ આખુંય તેની જુવાનીને નીરખતાં થાકતું નહીં. કાજળ આંજેલી મસમોટી કમળનાં પાંદડાં જેવી આંખ, ગાલે પડતાં બે ખંજન રતુંબડા હોઠ અને દેહલાલિત્ય તો જાણે કે કોઈ રાજકુમારીને પણ ભગવાને ન આપ્યું હોય તેવું. ખજૂરાહો કે અજન્તા-ઈલોરાની ગુફામાંની મૂર્તિઓમાં જોવા મળે તેવું સુંદર શરીરસૌષ્ઠવ તારિકાનું હતું.

એક તરફ ગામ આખું તારિકાની પાછળ ભમરાઓનાં ઝુંડની જેમ પડ્યું હતું પણ તારિકાનું મન બીજે ક્યાંક જ વળી ગયું હતું! રંગબહારમાં સામાન્ય કારકુનની અને એકાઉન્ટન્ટની બેવડી ભૂમિકા ભજવતા પ્રદ્યુમન મહેતા તરફ. પ્રદ્યુમન મહેતા શરીરે એકવડિયો બાંધો ધરાવતો ફુટડો યુવાન હતો. તેલથી તરબતર લાંબા ઝુલ્ફેદાર વાળ, વાંકડીયાળી કાળી ભમ્મર મૂછો અને પાન ખાઈને આવે ત્યારે લાલ ચટ્ટક થઈ ગયેલા હોઠ તેનાં રૂપમાં ચાર ચાંદ ઉમેરી દેતા. ઉંમર સહજ સ્વભાવને કારણે તારિકાને પ્રદ્યુમનનું જબરદસ્ત આકર્ષણ થયું હતું.

ચંદુલાલ ઘરે ન હોય ત્યારે પ્રદ્યુમન ઘરે મંડળીના હિસાબો સમજાવવા માટે આવતો આ ક્ષણ એવી હતી કે જ્યારે હિસાબનો ચોપડો જોવાને બહાને તારિકાને પ્રદ્યુમનની નજીક આવવાનો મોકો મળતો હતો. પ્રદ્યુમનના મ્હોંમાંથી આવતી બનારસી પાનની ખુશ્બુને કારણે તારિકા લગભગ તેને લગોલગ ચીપકીને ઊભી રહી જતી. ઘણી વખત તેને એમ થતું કે આ પાનની ખુશ્બુને કારણે તે કદાચ અર્ધપાગલ તો નહીં થઈ જાય ને?! પ્રદ્યુમન પણ કંઈ સાવ ભોળો નહોતો. તારિકા કરતાં ઉંમરમાં તે લગભગ દસેક વર્ષ મોટો હતો પરંતુ એ જમાનામાં નાટક સાથે સંકળાયેલા લોકોને કોઈ જલદીથી કન્યા આપતું નહીં એટલે તેનાં લગ્ન થયાં નહોતાં. તારિકાનું નજીક આવવું, તેનાં શરીરને સ્પર્શવું વગેરે સંકેતોને એ સારી રીતે સમજી શકતો હતો. પણ હજી તારિકા અને તેના વચ્ચેની બોલચાલની મર્યાદા હતી તે તૂટી નહોતી. એક વખત તે રોજની જેમ હિસાબો બતાવવા માટે ઘરે આવ્યો તે વખતે ચંદુલાલ ઘરે નહોતા. હિસાબો દેખાડ્યા પછી પ્રદ્યુમને કહ્યું “હવે હું રજા લઉં, શેઠ આવે તો આ હિસાબો બતાવી દેજો” અને તારિકાથી અનાયાસે જ બોલાઈ ગયું “બેસોને શું ઉતાવળ છે?”

બસ, આ ક્ષણથી જ બંને વચ્ચેની જે બોલચાલની મર્યાદા હતી તે તૂટી ગઈ. તેમની મુલાકાતો વધવા માંડી, તેમનો પ્રણય જગજાહેર થવા માંડ્યો અને બંનેએ એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપી દીધા તે તો ઠીક પણ લગ્ન ક્યારે અને કેવી રીતે કરવાં તે પણ નક્કી કરી લીધું. કારણ કે ચંદુલાલ આ સંબંધને ક્યારેય પરવાનગી નહીં આપે તેવી તેમને ગળા સુધી ખાતરી હતી.

તારિકાના રૂમમાં તકિયા નીચેથી તારિકાની ચીઠ્ઠી મળી અને તે વાંચતાંની સાથે જ ચંદુલાલની આંખોમાંથા દુઃખ, આક્રોશ, ગુસ્સો, લાગણી અને વહાલના દરિયા એક સાથે ઉભરાયા. પલંગ ઉપર ફસડાઈ પડતા તેઓ એટલું જ બોલી શક્યા “મને એક વખત પૂછ્યું હોત તો સારું થાત દીકરી….”

મુંબઈ શહેર તારિકા માટે તે વખતે ખૂબ જ નવું સવું હતું. પિતાની નાટક મંડળીના પ્રયોગો દરમિયાન તારિકાએ મુંબઈની અનેક મુલાકાતો લીધી હતી પણ મુંબઈ આવીને અહીં સ્થાયી થવાનો કે રહેવાનો વિચાર તેણે કદીય કર્યો નહોતો. પ્રદ્યુમન તારિકાને એક ગંદી, ગોબરી અને ગંધાતી ચાલી તરફ લઈ જઈ રહ્યો હતો. ચાલીને જોતા જ તારિકાને થોડી ઉબ તો જરૂરથી આવી ગઈ હતી કારણ કે આ પ્રકારનાં મકાનમાં રહેવાનો તો શું પગ મૂકવાનો પણ તેનો પ્રથમ અનુભવ હતો. પ્રદ્યુમને તારિકા સાથે ભાડાંનાં મકાનમાં ગૃહપ્રવેશ કર્યો.
જર્જરિત થઈને પડવાની રાહ જોઈ રહ્યું હોય તેવું મકાન એકદમ અવાવરું હતું. માથે નળિયાં ખસી ગયાં હતાં અને સૂરજ રોજ સવારે અને બપોરે ઘરમાં સંતાકૂકડી રમતો હતો. નીચે સામાન્ય પ્લાસ્ટર કરેલું ફર્શ અને ચારેયબાજુ જીર્ણ થઈ ગયેલી દીવાલો સિવાય બીજું કશું જ ઘરમાં દેખાતું નહોતું.

“તારિકા, થોડા દિવસ આ ઘરમાં રહીશું અને ત્યાર બાદ મને નવી નોકરી મળે કે તરત જ આપણે પોતાનાં મકાનમાં રહેવા જતાં રહીશું.” પ્રદ્યુમને ઠાવકાઈથી કહ્યું. “ચાલ હવે તું ઘરની સાફસફાઈ કરી લે હું જરા ઘરનો સામાન લઈને આવું છું.” એમ કહીને પ્રદ્યુમન ઘરનો સામાન ખરીદવા માટે નીકળ્યો.

તારિકાએ માંડમાંડ જેવું આવડે અને જેટલું આવડે તેવું ઘરનું કામ કર્યું, કામ કરતાં-કરતાં તેની આંખોમાં આંસુ આવી ગયાં. એક સમયે તો એમ પણ થઈ ગયું કે આ ઘર છોડીને પિતાજીને ત્યાં પાછી જતી રહું પણ જે મોઢે ગોળ ખાધો હોય તે મોઢે કોલસા કેમ ચાવવા, વળી પ્રદ્યુમન સાથે જીવવા મરવાના કોલ દીધા છે. આજે નહીં તો કાલે સ્થિત સુધરવાની જ છે, તેમ માનીને તેણે મન મનાવી લીધું.

થોડા સમય બાદ પ્રદ્યુમન ઝુલતો ઝુલતો ઘરનો સામાન લઈને બજારમાંથી આવ્યો. તારિકા તેના હાથમાંથી સામાન લેવા માટે નજીક ગઈ તો તેને પ્રદ્યુમનના મ્હોંમાંથી બનારસી પાન ઉપરાંત કંઈક વિચિત્ર પ્રકારની વાસ આવી. તેને ખ્યાલ આવી ગયો કે પ્રદ્યુમન દારૂનો નશો કરીને આવ્યો છે. તેણે ટકોર કરી “તમે દારૂ પીને આવ્યા છો?” પ્રદ્યુમન વધારે માત્રામાં પીને નહોતો આવ્યો એટલે તેણે હસતા-હસતા કહ્યું “અરે! ગાંડી આ તો સોમરસ છે, આ તો દેવતાઓ પણ પીતા હતા તો હું તો સામાન્ય માણસ છું.” નવાં ઘરમાં તારિકા તેમજ પ્રદ્યુમનના જીવનની શરૂઆતની આ પ્રથમ રાત્રિ હતી. તારિકા સુંદર સાજશણગાર સજીને પ્રદ્યુમનની રાહ જોતી બેઠી હતી. તેણે વિચાર્યું કે આજે પ્રદ્યુમન અને તે બંને જણા સાથે જમશે અને તેમના નવપલ્લવિત જીવનનો પ્રારંભ કરશે. તારિકા સુંદર જીવનનાં વિચારોમાં ખોવાયેલી હતી કે ‘ધડાક’ દઈને ઘરનો દરવાજો ખુલ્યો. તેણે ચમકીને જોયું તો પ્રદ્યુમન એટલે બધો દારૂ પી ગયો હતો કે તે ઊભો પણ નહોતો રહી શકતો. તારિકાએ ફરી પાછું પૂછ્યું કે “તમે દારૂ….” પણ પ્રદ્યુમને અટકાવતા જણાવ્યું “મેં તને કહ્યું ને કે સોમરસ….” આટલું બોલતાં બોલતાં પ્રદ્યુમન પથારીમાં પછડાયો. તારિકા આઘાત સાથે ઘરનો દરવાજો બંધ કરીને સૂઈ ગઈ.

તારિકાની રાત ખૂબ જ પીડાદાયક વીતિ હતી તેને શરીરની પીડા કરતાં માનસિક પીડા વધારે કોરી ખાતી હતી. દારૂના નશામાં પ્રદ્યુમને પ્રાણીઓને પણ શરમાવે તેવી હરકતો તારિકા સાથે કરી હતી જેને કારણે તારિકા ઊંડા આઘાતમાં સરી પડી હતી. રાતના વિચારોમાં ખોવાયેલી તારિકાને એ વાતનું ભાન જ ન રહ્યું કે પ્રદ્યુમન તો ઘરમાં છે જ નહીં. એક ક્ષણ માટે તે વિહવળ બની ગઈ પણ દૂરથી પ્રદ્યુમન આવતો દેખાયો એટલે તેને હાશ થઈ. ફિક્કા સ્વરે તારિકાને પડીકું આપતા પ્રદ્યુમન બોલ્યો લે આ નાસ્તો લઈ આવ્યો છું, તું ચા બનાવ. તારિકા ચા બનાવવા માટે સ્ટવ ચાલુ કર્યો કે તેને કંઇક અવાજ સંભળાયો તેણે પાછળ ફરીને જોયું તો પ્રદ્યુમન પથારીમાં પડ્યા પડ્યા ડુસકાં ભરી રહ્યો હતો તારિકાએ નજીક જઈને તેને પૂછ્યું “શું થયું? કેમ રડો છો? ” પ્રદ્યુમને લાગણીસભર ચહેરે જવાબ આપ્યો “ગઈ કાલે રાતે….” તે વધુ કંઈ બોલે તે પહેલા જ તારિકાએ તેને અટકાવ્યો “બસ… જે વીતિ ગયું તેને ભૂલી જાવ.”

“ના પણ મારી ભૂલ….”

“હશે હવે….”

“ના તને મારાથી…..”

“ના મને તમારાથી ખોટું નથી લાગ્યું પ્રદ્યુમન…” તારિકાએ પ્રેમથી કહ્યું.

“મને માફ કરી દે આજ પછી ક્યારેય….”

“આ શું ગાંડા કાઢો છો તમારે માફી માગવાની હોય…. ”

“ના પણ તું મને માફ નહીં કરે તો….. ”

“સારું ભાઇસાબ મેં તમને માફ કર્યા બસ….. ”

એ દિવસથી કરીને આજ સુધી પ્રદ્યુમને દારૂ પીને તારિકાની માફી માગી હોય અને તારિકાએ તેને માફ કર્યો હોય તેવા કિસ્સાઓનો હિસાબ કાઢવા બેસીએ તો કદાચ પાંચ આંકડામાં પહોંચી જાય.

આ આઘાતો વળી ઓછા હોય તેમ તેને સમયાંતરે કૌટુંબિક આઘાતો પણ મળતા રહ્યા જેમ કે તેમનાં ઘર છોડ્યા બાદ રંગબહાર વિખેરાઈ ગયું, ચંદુલાલ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, ચંદુલાલનું અવસાન વગેરે વગેરે….

પ્રદ્યુમન અર્થોપાર્જન માટે એક નવો પૈસો ન કમાઈ શક્યો અને અધૂરામાં પૂરું હોય તેમ બાળકને પણ જન્મ ન આપી શક્યો. પ્રદ્યુમન આજ કમાશે કે કાલ કમાશે, હું આજ માતા બનીશ કે કાલ, તેમ વિચારતાં વિચારતાં તારિકાનું સમગ્ર જીવન ગંદી, ગંધાતી અને ગોબરી ચાલીમાં પસાર થઈ ગયું. પ્રદ્યુમને બનારસી પાન ક્યારનાય છોડી દીધાં હતાં કારણ કે તેને પોસાય તેમ નહોતું હવે તે બીડીઓના રવાડે ચડી ગયો હતો અને સાથે દેશી દારૂ તો ખરો જ. બીડી પીને પ્રદ્યુમન ખાંસે એટલે ચાલીવાળાઓની પણ ઊંઘ હરામ થઈ જતી, ગળફો તે ઘરના દરવાજાની સામે જ થૂંકતો જે તારિકા સવારે ઉઠીને સાફ કરી દેતી હતી. એક વખત તારિકાએ રોજની જેમ ગળફો સાફ કરતાં જોયું તો ચાર-પાંચ ગળફામાં લોહી પડેલું જોવા મળ્યું હતું પણ શું કરે ડોક્ટર પાસે દવા કરાવવાના પૈસા તો હોવા જોઇએને.

ચાલીમાંના માણસો સતત બદલાતા રહેતા હતા. આ બે જ અહીં રહેતા હતા. તારિકા લોકોના કપડા હાથેથી સીવી આપીને કે ગોદડાં સીવી આપીને માંડમાંડ ઘરનું પૂરૂં કરી શકતી હતી. તેમાંય અડધા પૈસા તો પ્રદ્યુમનની બીડી અને દારૂમાં જતા રહેતા. જોકે તારિકાને પાડોશ હંમેશા સારો મળી રહેતો હતો. ફિલ્મ અને ટીવી લાઇનમાં સ્ટ્રગલ કરવા માટે પણ ઘણા છોકરા-છોકરીઓ આવતા, તેઓ પણ ચાલીમાં રહેતા હતા. એક વખત તો એક સુંદર યુવતીએ તારિકાને કહ્યું પણ હતું કે “આન્ટી આપ કા ફેસ બહુત ફોટોજેનિક હૈ આપ ટીવી સિરિયલો યા ફિલ્મોમે કામ કરો. ” ત્યારે તારિકાએ હસતા હસતા જવાબ આપ્યો હતો “બેટા મુજે ઈસ ઉમરમેં કૌન બુલાયેગા? ” ત્યારે તે છોકરીએ કહ્યું હતું કે “અરે! આન્ટી હમારી જીતની ઉંમરવાલી લડકિયાં એક ઢૂંઢો તો હઝાર મિલતી હૈ, આપકી ઉમર કી ઓરતેંહી નહીં મિલ રહી હૈ. આપ ટ્રાય કરકે તો દેખો. આપકો પતા હૈ આજકલ ફિલ્મવાલો સે ઝ્યાદા પૈસા ટીવીમે કામ કરનેવાલે કમાતે હૈ. ”

કાગનું બેસવવું અને ડાળનું પડવું. બીજે દિવસે તારિકા પડોશમાં ગોદડું સીવીને આપવા ગઈ ત્યાં તેની નજર અખબારમાં આવેલી જાહેરખબર ઉપર પડી, જેમાં લખ્યું હતું કે એક જાણીતા પ્રોડક્શન હાઉસને દરેક પ્રકારના કલાકારોની જરૂર છે. તારિકાની નજર સમક્ષ પેલી યુવતીનાં વાક્યો અને પથારીમાં ખાંસતો પ્રદ્યુમન તરવરી ઉઠ્યા. તેણે પાડોશી પાસેથી પેન અને કાગળ માગીને સરનામું લીધું. બાજુવાળા પાસેથી દસ રૂપિયા ઉછીનાં લઈને તે ઓડિશન ટેસ્ટ આપવા માટે નીકળી પડી. પ્રદ્યુમન અને તારિકાના સંબંધો માત્ર ઘરે સાથે રહેવા પૂરતા જ સીમિત થઈ ગયા હતા. એટલે તારિકા કોઈ જ કામ શરૂ કરતાં પહેલાં પ્રદ્યુમનની મંજૂરી લેવાનું જરૂરી નહોતી સમજતી અને સામે પક્ષે પ્રદ્યુમન પણ તેને કોઈ વાતે ટોકતો નહોતો.

ઓડિશન એક સ્ટુ઼ડિયોમાં હતું ત્યાં પહોંચીને તારિકાએ જોયું તો જુવાની ફાટફાટ થતી હોય તેવા લબરમૂછીયાઓની લાંબી લાઇન લાગી હતી. તારિકાને એક પળ માટે શરમ આવી ગઈ કે આટલા બધાં જુવાનિયાઓ વચ્ચે તે એકલી ડોશી કેવી લાગશે પણ તરત જ તેણે વિચાર્યું “જે થશે તે જોયું જશે. ” તેણે સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો, એક આસિસ્ટન્ટ ડિરેક્ટરે તેને અટકાવી “મેડમ કિસસે મિલના હૈ? ” તારિકાએ જવાબ આપ્યો “ઓડિશન કે લિયે. ” આસિસ્ટન્ટે કહ્યું “આપ ઓડિશન કે લિયે?! ” તારિકાએ જણાવ્યું “આપને પેપરમેં એડ દિયા હૈ કિ આપકો હર ઉમર કે કલાકાર ચાહિએ. ” આસિસ્ટન્ટે કહ્યું “ઠીક હૈ આપ બૈઠિયે મૈં ડિરેક્ટર સે બાત કર લેતા હું.”

તારિકા રાહ જોતી બેઠી હતી કે તેને તેની ચાલવાળી છોકરી મળી તે તારિકાને જોઈને તરત જ ઉછળી પડી અને બોલી “વાઉ! આન્ટી યે હુઈ ના બાત. આપ ભી આ ગઈના ઓડિશન કે લિયે પર યે ક્યા આન્ટી ઓડિશન કે લિયે થોડા સજધજ કે આના ચાહિયે ઐસી મૈલી સાડી યહાં નહીં ચલતી. ”

તારિકાએ જવાબ આપ્યો “યે સબ તો ઠીક હૈ બેટા પર મુઝે યે બતા યે ઓડિશનમેં કરના ક્યા હોતા હૈ? ”

છોકરીએ જણાવ્યું “અરે! કુછ નહીં આન્ટી, આપકો સ્ક્રિપ્ટ દેંગે જિસમે ડાયલોગ્સ લિખે હોંગે. આપકો ઉસે ઠીક સે પઢના હૈ બસ, અગર ડિરેક્ટર કો આપકી એક્ટિંગ પસંદ આ ગઈ તો આપકા મોબાઇલ નંબર લેંગે ઔર આપકો એક્ટિંગ કરને કે લિયે બુલાયેંગે. ”

તારિકાને સહેજ ક્ષોભ થયો તે બોલી “ઔર મોબાઇલ ના હો તો? ”

છોકરી હસવા માંડી “અરે! આન્ટી આજકલ કામવાલીયાં ઔર સબ્જીવાલિયાંભી મોબાઇલ રખતી હૈ. આપકે પાસ મોબાઇલ નહીં હૈ? ”

તારિકાએ સંકોચ સાથે જણાવ્યું “નહીં બેટા, તુ તો જાનતી હૈ તેરે અન્કલ કી તબિયત, ઘરમેં ખાને કે ભી પૈસે…. ”

છોકરી અટકાવતા જ બોલી “કોઈ બાત નહીં આન્ટી આપ મેરા મોબાઈલ નંબર દે દિજીયે. આપકે લિયે ફોન આયેગા તો મૈં આપકો મેસેજ દે દૂંગી” એમ કહીને છોકરીએ તેનો મોબાઇલ નંબર લખી આપ્યો કે તરત જ આસિસ્ટન્ટ આવ્યો

“આપકો ડિરેક્ટર બુલા રહે હૈં”

તારિકા અંદર પહોંચી તો ખૂબ જ ચકાચોંધ થઈ ગઈ સ્ટુડિયોમાં દિવસને પણ શરમાવે એટલો બધો પ્રકાશ હતો. ડિરેક્ટર કોઇની સાથે વાતોમાં હતો તેણે તારિકાને જોઈ અને એક-બે સેકન્ડ માટે તેની નજર તારિકા ઉપર સ્થગિત થઈ ગઈ. ડિરેક્ટર માંડ 35થી 36 વર્ષનો હશે તે તારિકા પાસે આવ્યો અને કહ્યું “મિસિસ તારિકા મહેતા આઈ એમ હર્ષ, ડિરેક્ટર ઓફ ધ સિરિયલ. ”

તારિકાએ બે હાથ જોડીને નમસ્તે કર્યા.

ડિરેક્ટરે પૂછ્યું “આપ અપના બાયોડેટા ઔર ફોટોગ્રાફ્સ વગૈરહ લાયી હૈં? ”

“જી, નહીં મૈ તો ઐસે હી….”

“મતલબ આપકે પાસ અપના બાયોડેટા ઔર ફોટોગ્રાફ્સ નહીં હૈ!”

“જી નહીં.”

“આપને કભી સિરિયલ યા ફિલ્મ યા નાટક મૈં કામ કિયા હૈ?”

“જી નહીં પર મેરે પિતાજી નાટક મંડલી ચલાયા કરતે થે ઔર…..”

ડિરેક્ટરે વાત કાપતાં જ પૂછ્યું “આપને કામ કિયા હૈ કિ નહીં?”

“જી નહીં.”

ડિરેક્ટરે સ્પષ્ટ જણાવી દીધું “દેખિયે તારિકાજી આપ હમારે રોલમેં ફિઝિકલી એકદમ ફિટ બૈઠતી હૈ, લેકિન આપકા કોઈ ઇસ ફિલ્ડમૈં એક્સપિરિયન્સ નહીં હૈ, ફિર ભી મૈં આપકા સ્ક્રીન ટેસ્ટ લૂંગા, પર અબ બાત આપકે પરફોર્મન્સ પે જાતી હૈ. યદિ આપને ઠીકસે પરફોર્મ નહીં કિયા તો મૈં કુછ નહીં કર સકતા. સામને પ્રોડ્યુસર્સ ઔર ચેનલ કે આદમી ભી બૈઠે હૈ. યે આપકી સ્ક્રિપ્ટ હૈ, ડાયલોગ્સ રેડી રખિયે, મૈં આપકો 15 મિનિટ મેં વાપસ બુલાતા હૂં.”

તારિકાને સ્ક્રીન ટેસ્ટ માટે પાછી બોલાવવામાં આવી. તેણે કેમેરા સામે જોઇને ડાયલોગ્સ બોલવાનું શરૂ કર્યું અને તારિકાની કિસ્મતનું પત્તું ફરી ગયું.

તારિકા હવે એક નહીં પણ બે અને ત્રણ ત્રણ સિરિયલ્સમાં એકસાથે કામ કરવા માંડી. કેરેક્ટર એક્ટર્સની દુનિયામાં તે છવાઈ ગઈ હતી. માના રોલમાં અને દાદીના રોલમાં તે વિશેષ દેખાવા માંડી હતી. ફિલ્મોના નિવૃત્ત અભિનેતા વિજયકુમાર સાથે તેની જોડી ખૂબ જ જામતી અને લોકો તેમના ભરપેટ વખાણ કરતાં.

વિજયકુમાર સાથે તેની પ્રથમ મુલાકાત વિચિત્ર સ્થિતિમાં થઈ હતી. પહેલી જ મુલાકાતમાં બંનેએ યુવાનીને યાદ કરીને રોમેન્ટિક સિન ભજવવાનો હતો. સિનના રિહર્સલ માટે બંને એકમેકની નજીક આવ્યા ત્યારે તારિકાને જાણીતી ખુશ્બુ વિજયકુમારના મ્હોંમાંથી આવી. તેણે પૂછ્યું “આપ યે ક્યા ખાતે હો?” વિજયકુમારે જણાવ્યું “યે ફોરેન કી ચ્યુઇંગમ હૈ ઔર ઇસકા ટેસ્ટ બનારસી પાન જૈસા હોતા હૈ.”

હવે તારિકા અને વિજયકુમાર એકબીજાને સારી રીતે ઓળખતા થઈ ગયા હતા. વિજયકુમારને બે મોટા સંતાનો હતા અને બંને અમેરિકામાં સેટલ થયા હતા. તેમની પત્ની યોગીની થોડા સમય પહેલાં મૃત્યુ પામી હતી. તેઓ ખૂબ જ એકાકી મહેસૂસ કરી રહ્યા હતા. ઘણી વખત તે અને તારિકા લોંગ ડ્રાઈવ ઉપર પણ જતાં. અંદરખાને કેટલાક લોકો એમ પણ માનતા કે આ બુઢ્ઢો-બુઢ્ઢી એકબીજાના પ્રેમમાં છે.

જોકે, વાત સાવ ખોટી પણ નહોતી. તારિકા અને વિજયકુમાર બંને પરસ્પર હૂંફના ભૂખ્યા હતા. એક વખત વિજયકુમારથી રહેવાયું નહીં અને તેણે પૂછી નાંખ્યું “તારિકા, મેરે સાથ મેરે ઘરમેં રહેના પસંદ કરોગી?”

તારિકા અવાક્ તો થઈ ગઈ પણ ક્ષણેક વાર થોભ્યા પછી તેણે વિજયકુમારના ખભે માથું મૂકી દીધું અને એટલું જ બોલી “કબ આઉં તુમ્હારે ઘર?”

તારિકા હજી નવો ફ્લેટ ખરીદી શકે તેટલા રૂપિયા કમાઇ નહોતી. તે ચાલીના ઘરે પોતાનો સામાન લેવા ગઈ. પથારીમાં પ્રદ્યુમન ખાંસતો હતો એક પળ તારિકાનું મન થંભી ગયું પણ તેને વિચાર આવ્યો કે આ માણસના કારણે જીવનનો પૂર્વાર્ધ બગડ્યો પણ ઉત્તરાર્ધ નથી બગાડવો. તેણે સામાન પેક કરવા માંડ્યો. તારિકાની સામાન પેક કરવાની ઝડપ જેમજેમ વધતી જતી હતી તેમતેમ પ્રદ્યુમનની ખાંસી વધતી જતી હતી. પ્રદ્યુમન કંઇક કહેવા માગતો હતો. તારિકાને સાંભળવાનો સમય નહોતો. પ્રદ્યુમન બોલ્યો “તારિકા, તું મને રજા…..”

“તું મને રજા આપે તો હું જાઉં” પ્રદ્યુમનના છેલ્લા શબ્દો સાંભળવા પણ તારિકા રોકાઈ નહીં અને તેણે વિજય સાથે સહવાસ શરૂ કરી દીધો. પ્રદ્યુમનનાં મૃત્યુ બાદ સમાચાર માધ્યમોએ થોડા છાંટા ઉડાડ્યા પણ વિજયકુમારે પૈસા ખવડાવીને સ્થિતિ થાળે પાડી દીધી.

વિજયકુમાર સાથેનાં શરૂઆતના દિવસો ખૂબ જ આનંદથી પસાર થયા. તારિકાને જેલમાંથી મુક્તિ મળ્યાનો અહેસાસ થયો હતો. જોકે, વિજયકુમારને ઇમ્પોર્ટેડ સિગરેટ પીવાની અને ઉચ્ચ ગુણવત્તાની શરાબો પીવાની ટેવ હતી પણ આ તમામ ટેવોથી તારિકા ટેવાયેલી હતી.

પણ તારિકાનું કિસ્મત બદલાઈ ગયું હતું અને તેમાંય હવે વળાંક આવ્યો હતો. એક વખત તારિકાએ ઉઠીને જોયું તો વિજયકુમાર પથારીમાં નહોતો. તેને બાથરૂમમાંથી કંઇક વિચિત્ર અવાજ આવ્યો. તે ચમકી તેણે બૂમ પાડી “ક્યા હુઆ વિજય?” દરવાજાને ધક્કો મારીને ખોલીને જોયું તો વિજયકુમાર ખાંસતો હતો અને તેના ગળફામાંથી લોહી પડતું હતું.
કેટલું બધું બદલાઈ ગયું હતું તારા કિસ્મતમાં, પહેલા રોજ બીડીઓનાં ઠૂંઠા અને દેશી શરાબની વાસ આવતી હતી તેના બદલે હવે ઇમ્પોર્ટેડ દારૂ અને સિગારેટની વાસ આવતી હતી, પહેલા જે લોહીના ગળફા ગંધાતીને ગોબરી ચાલીમાં પડતા હતા તે હવે ચકચકિત વોશબેઝિનમાં પડતાં હતાં. તારિકાનો આ વિચાર પૂરો થાય તે પહેલાં જ વિજયકુમાર ચક્કર ખાઈને ફસડાઈ પડ્યો. તેને હોસ્પિટલમાં ખસેડી શકાય તેવી સ્થિતિ નહોતી એટલે ઘરે જ ડોક્ટરને બોલાવીને સારવાર આપવી પડી.

સાંજે તારિકા બાલ્કનીમાં ઊભી હતી. આકાશ ગોરંભાયેલું હતું. એટલામાં વિજયકુમારના વકીલની એન્ટ્રી થઈ. તેણે તારિકાને પૂછ્યું “તમે તો સર સાથે એમ જ રહેતા હતાં ને કે કોઈ લિગલ ફોર્માલિટિઝ કરી હતી, સિવિલ મેરેજ કે બીજું કઈં?”

તારિકાએ નકારમાં માથું ધૂણાવ્યું.

“ઓકે ફાઈન જુઓ, સાહેબના નામે આશરે 70 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે બધી જ તેમણે તેમના દિકરાઓમાં સરખે હિસ્સે વહેંચી દીધી છે. આ મકાન તેમના મોટા દિકરાના નામે છે. મારી પાસે તેમનો નંબર છે, હું તેમને જાણ કરી દઈશ. બાકી મારે તમને બીજી કોઈ જાણ કરવાની જરૂર નથી લાગતી.” એટલામાં નર્સ બેબાકળી દોડતી આવી “મેડમ, સર

તમને યાદ કરે છે.” તારિકા દોડતી વિજયના રૂમમાં પહોંચી. તે ખાંસીખાંસીને બેવડ વળી ગયો હતો અને તે માંડમાંડ બોલી શક્યો,

“તું મને રજા આપે તો હું જાઉં તારિકા….”

અને ગોરંભાયેલું આકાશ ધોધમાર રડી પડ્યું.

- અંશુ જોશી

Tuesday, August 24, 2010

શેખર

પ્રથમ તાસ પૂરો થવાનો બેલ વાગતાંની સાથે જ વર્ગશિક્ષક ચાવડાએ કલાસમાંથી વિદાય લીધી. આ સાથે જ વર્ગ 12-અમાં વિદ્યાર્થીઓનો શોરબકોર શરૂ થયો. હવે પછીનો તાસ રસિકલાલ જે. તુરખિયાનો હતો. તુરખિયા કલાસમાં લગભગ બે-ચાર મિનિટ મોડા જ આવતા. દૂર લૉબીમાં તુરખિયા આવતા દેખાયા, પરંતુ કોઈ જ વિદ્યાર્થીનું ધ્યાન તેમના ઉપર નહોતું. તુરખિયા કલાસના દરવાજે આવીને ઊભા રહ્યા તોય વિદ્યાર્થીઓનો શોરબકોર ચાલુ જ હતો.
બેઠી દડીનો ઘાટ, અદોદળી ફાંદ અને આંખ ઉપર બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માં પહેરી રાખનારા તુરખિયા ક્યારેય ઈન-શર્ટ કર્યા વિના શાળામાં ન આવતા. અચાનક જ વિદ્યાર્થી-ગણગણાટમાં પરિવર્તન થયું અને ત્યાર બાદ નીરવ શાંતિ છવાઈ ગઈ. બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માંની આરપાર તુરખિયાની આંખો ગુસ્સાથી ફાટી ગયેલી લાગતી હતી. જોકે આમ પણ બિલોરી કાચને લીધે તેમની આંખો મોટી તો લાગતી જ હતી, પણ આ વખતે આંખોનું કદ જરા વધારે વિસ્તરેલું લાગતું હતું.
નીરવ શાંતિ વચ્ચે કોલ્હાપુરી ચપ્પલના ચરડ-ચરડ અવાજ સાથે તુરખિયાએ વર્ગખંડમાં પ્રવેશ કર્યો અને આદેશાત્મક ભાવ તેમ જ અવાજ સાથે બોલ્યા, ‘અવરોધકતા એટલે શું ? તે શેની ઉપર આધાર રાખે છે ? તેની વ્યાખ્યા અને એકમ જણાવો.’ ભૌતિકવિજ્ઞાનના શિક્ષક રસિકલાલ જે. તુરખિયાના આ સવાલથી વર્ગખંડમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. બધા વિદ્યાર્થીઓના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું. કલાસમાં બેઠેલા વિદ્યાર્થીઓની 80 આંખો અન્યમનસ્ક ચહેરે જાડાં બિલોરી કાચ જેવાં ચશ્માંને તાકી રહી. પોતાના પ્રશ્નનો કોઈ જ ઉત્તર ન મળતાં તુરખિયાનો ચહેરો લાલઘૂમ થયો અને એક ત્રાડ પડી, ‘એય ! મરી જશો મરી ! તમારો બાપોય બોર્ડમાં પાસ નહીં કરે. ગધેડાઓ ! હાલી શું મર્યા છો ! સાહેબ કલાસમાં સ્હેજ મોડા પડ્યા નથી કે ખાખા ને ખીખી કરીને વાતું જ કર્યા કરો છો ! તમારો કોઈ જ કલાસ નથી. આ વર્ગમાંથી એક પણ વિદ્યાર્થી બૉર્ડમાં નંબર તો શું લાવે, પાસ થવાને પણ લાયક નથી !’
એમ કહી તુરખિયા કલાસ-ટીચરની ખુરશી ખેંચીને તેના ઉપર બેઠા. તુરખિયા બેસી જાય એટલે તેમનું ભાષણ પૂરું થઈ ગયું એવું ક્યારેય ન બનતું. વળી પાછું તેમણે ચલાવ્યું, ‘વિદ્યાર્થી મહેનત કેવી રીતે કરે ઈ જોવું હોય તો મારા શેખરને જુઓ. સેંટ ઝેવિયર્સમાં ભણે છે. પહેલી ટેસ્ટમાં 89 પર્સન્ટેજ આવ્યા અને ઈ પણ બાર સાયન્સમાં ! હા, ટકા ઓછા કહેવાય, બટ હી વૉઝ ફર્સ્ટ ઈન હિઝ કલાસ.’
તુરખિયાની આ એક અજબ વિશેષતા હતી. જ્યારે પણ ભણવાની, હોશિયારીની કે પછી બ્રિલિયન્ટ કરિયરની વાત આવે ત્યારે તેઓ તેમના દીકરા શેખરના નામનો અચૂક ઉલ્લેખ કરતા. તેમના મતે શેખર વિશ્વનો આદર્શ વિદ્યાર્થી તેમ જ પુત્ર હતો. આજ્ઞાંકિત પિતાની તમામ પ્રકારે સંભાળ લેનારો, રસિકલાલ જે. તુરખિયાનો એકમાત્ર વંશજ શેખર આર. તુરખિયા. તુરખિયા શેખરની વાતો વર્ગમાં એવી રીતે કરતા કે જાણે શેખર સેંટ ઝેવિયર્સનો નહીં પણ આ જ માધ્યમિક શાળાના વર્ગ 12-અમાં ભણતો કોઈ વિદ્યાર્થી હોય. તુરખિયા દ્વારા કરવામાં આવેલા શેખરના પાત્ર-નિરૂપણથી અંજાઈને વર્ગના બે-ચાર વિદ્યાર્થીઓ તો શેખર જેવા જ બનવાનો પ્રયત્ન કરવા લાગી પડ્યા હતા. શેખર બનવાનો પ્રયત્ન કરનારા વિદ્યાર્થીઓમાં એક ચિરાગ પણ હતો. જ્યારે પણ તુરખિયાના મોંમાંથી ‘શેખર’ નામનો શબ્દ સરી પડે એટલે તરત જ ચિરાગના કાન સરવા થઈ જતા. શેખર વિશેની તમામ વાતો ચિરાગ ધ્યાનપૂર્વક સાંભળતો. શેખર વિશેની વાતો સાંભળ્યા બાદ તેને સતત એવું લાગ્યા કરતું કે તેના અને શેખરમાં કંઈ વધારે ફેર નથી. પરંતુ ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં તુરખિયા ચિરાગને ખાસ મચક ન આપતા. તેમને મન બસ શેખર જ સર્વસ્વ હતો.
હાથની મુઠ્ઠીમાંથી રેત સરકે તેમ સમય સરકતો રહ્યો. દિવાળીનું વૅકેશન ક્યાં પૂરું થઈ ગયું તેની ખબર ન રહી અને 12 સાયન્સની પ્રીલિમિનરી પરીક્ષા માથે ઝળૂંબવા લાગી. આ વખતે ચિરાગે મનોમન નક્કી કરી લીધું હતું કે તુરખિયા સરના શેખર કરતાં તે એક માર્ક વધારે લાવીને બતાવશે. ચિરાગે પરીક્ષામાં પાસ થવા માટે તનતોડ મહેનત કરી. ભૌતિકવિજ્ઞાનનું પેપર લખવા વિદ્યાર્થીઓ બેઠા હતા, પણ આ શું ? પેપર વાંચતાંની સાથે જ પરીક્ષાખંડમાં બેઠેલા બધા વિદ્યાર્થીઓના મોતિયા મરી ગયા. વિદ્યાર્થીઓના ભાલપ્રદેશ ઉપર પ્રસ્વેદબિંદુઓ તગતગી રહ્યાં હતાં. ધવલ અને રીના જેવાં સંવેદનશીલ વિદ્યાર્થીઓ તો બેભાન થઈને પરીક્ષાખંડમાં જ ઢળી પડ્યાં. ચિરાગ પણ ખાસ્સો અસ્વસ્થ થઈ ગયો હતો. પરંતુ તેણે મન મનાવી લીધું. ‘આટલું અઘરું પેપર બૉર્ડમાં પુછાય તો નહીં જ. પણ પુછાશે તો ?! તો આ જ પ્રકારના પેપરની પ્રેક્ટિસ કાલથી ચાલુ કરી દઈશું. હજી તો બૉર્ડની પરીક્ષા માર્ચ 2008માં છે. પૂરા બે મહિનાની વાર છે ને ?’ એમ માનીને ચિરાગે પેપર લખવાની શરૂઆત કરી. પરિણામ અપેક્ષિત જ હતું. માધ્યમિક શાળાની ભૌતિકવિજ્ઞાનની પ્રીલિમિનરી પરીક્ષામાં 12-અના 40માંથી 39 વિદ્યાર્થીઓ નાપાસ થયા. એકમાત્ર ચિરાગ પાસ થયો હતો અને તે પણ 100માંથી 37 માર્કસ સાથે. કલાસમાં પેપર બતાવતી વખતે તુરખિયાએ ફરી એક વખત શેખરની વાતનો ઉલ્લેખ કર્યો : ‘શેખરિયાએ તો આપણી સ્કૂલનું પેપર જોઈને ફેંકી દીધું હો ! મને કહે, સાવ ફોફા જેવું પેપર છે. આવાં પેપર સોલ્વ કરવામાં હું મારો સમય ન બગાડું !’ ફરી એક વખત આખા કલાસનું મોં ખસિયાણું પડી ગયું. ફિઝિક્સમાં માત્ર 37 માર્કસ આવવાને કારણે ચિરાગનો મૂડ બગડી ગયો હતો, એટલે શેખર સાથે સ્પર્ધા કરવાનું તેણે બોર્ડની પરીક્ષા ઉપર ઠેલ્યું.
હવે માર્ચ 2008ની બોર્ડની પરીક્ષા ચિરાગ માટે શેખર સાથે સ્પર્ધા કરવાનો આખરી મોકો હતી. જો આ મોકો હાથમાંથી નીકળી જાય તો ખલાસ. શેખર આજીવન તુરખિયાના હૃદયમાં ‘હીરો’ બનીને રહી જાય તેમ હતું. તેને ખબર હતી કે એક બાપ તેના દીકરા કરતાં વિશેષ બીજા કોઈનેય પ્રેમ ન કરી શકે. જોકે ચિરાગને તુરખિયાના હૃદયમાં ક્યારેય સ્થાન લેવું નહોતું. તેણે તો માત્ર એક જ વાત સાબિત કરવી હતી કે શેખર કરતાં પણ હોશિયાર વિદ્યાર્થીઓ ઘણી શાળાઓમાં ભણે છે અને તેમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ તો તેના પિતાજી એટલે કે રસિકલાલ જે. તુરખિયાના હાથ નીચે જ ભણે છે !
અચાનક એક દિવસ શાળામાં નોટિસ નીકળી. નોટિસ પિકનિક માટેની હતી. એમાં શરત એટલી જ હતી કે જો સાયન્સના વિદ્યાર્થીઓ પિકનિકમાં જોડાશે તો તેમને રીડિંગ વૅકેશન બૉર્ડની પરીક્ષાના એક સપ્તાહ પહેલાં જ મળશે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે શાળાએ આવવાનું રહેશે. જોકે આ અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓએ આચાર્ય સમક્ષ મૌખિક જણાવવાનો હતો. ધવલ પંડ્યાને આ પ્રકારની ઈતર પ્રવૃત્તિઓમાં વધારે રસ હતો. વળી, તેની નેતૃત્વ-શૈલી પણ સારી હોવાને કારણે તેણે આખાય કલાસને પિકનિક માટે ‘પટાવી’ લીધો. ચિરાગની ઈચ્છા પિકનિકમાં જવાની બિલકુલ નહોતી, પરંતુ અભ્યાસમાં તેજસ્વી હોવાને કારણે તેના પિતાએ પણ તેને પરવાનગી આપી અને ચિરાગે પણ મનમાં વિચાર્યું કે ‘એક મહિનાના રીડિંગ વૅકેશનને શું ધોઈ પીવાનું છે ? પિકનિક પૂરી થયા બાદ સ્કૂલમાં આવીને રીવિઝન કરીશું.’
હંમેશની આદત મુજબ તુરખિયાને પિકનિક સામે મોટો વાંધો હતો. એક વાર લાઈબ્રેરી પાસેની લૉબીમાં ચિરાગ ઊભો હતો ત્યારે તુરખિયાએ કહ્યું હતું કે ‘તમારે મન પિકનિકનું આટલું બધું શું મહત્વ છે ? ભણો, કારકિર્દી બનાવો. તમે આઠમા-નવમામાં નથી કે પિકનિકમાં જાઓ છો. આપણી સ્કૂલનું મૅનેજમેન્ટ પણ સાવ બુડથલ છે. તમારા કલાસની જવાબદારી મને સોંપી છે એટલે મારે કમને પણ પિકનિકમાં આવવું જ પડશે. તું તારી કરિયરને ગંભીરતાથી લે. આ તો મને તારામાં જરા સ્પાર્ક દેખાય છે એટલે કહું છું.’ તુરખિયા પોતાને એક સારો વિદ્યાર્થી માને છે તે જાણીને ચિરાગને હાશકારો થયો. પિકનિકના દિવસે તુરખિયાનો આખો મૂડ જ બદલાઈ ગયો હતો. વિદ્યાર્થીઓએ તેમને આટલા બધા મૂડમાં ક્યારેય જોયા નહોતા. બસમાં સીડી પ્લેયર વાગ્યું કે તરત જ તુરખિયાના પગ થનગની ઊઠ્યા. બેઠી દડીના અને અદોદળી ફાંદ સાથે પણ તુરખિયાએ ડાન્સ કર્યો. આ ઘટનાને વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટ તેમ જ કિકિયારીઓ સાથે વધાવી લીધી.
ગલતેશ્વરના નદીકિનારે એકાંતની પળોમાં ચિરાગે તુરખિયાની નજીક આવવાનો પ્રયત્ન કર્યો. શેખરની વાત સિવાય બીજી એવી કોઈ વાત નહોતી કે જે તુરખિયા અને ચિરાગ વચ્ચેનો સંવાદ શરૂ કરાવી શકે. ડરતાં-ડરતાં ચિરાગે પૂછ્યું : ‘સર, શેખરને પિકનિકમાં લઈ આવ્યા હોત તો સારું હતું.’મજાકમાં હસી કાઢતા હોય તેમ તુરખિયાએ કહ્યું, ‘ભાઈ, શેખર તમારી જેમ ઉછાંછળો નથી. અત્યારે હું બહાર છું, પણ ઘરે જઈશ એટલે એણે તમામ વિષયનાં પેપર લખીને રાખ્યાં હશે. એનું ધ્યેય મેડિકલ લાઈન સિવાય બીજે ક્યાંય નથી. અમારા બેય વચ્ચે અત્યારથી જ ડીલ થઈ ગઈ છે કે જો એ મેડિકલમાં એડમિશન લે તો મારે તેને 55,000નું બાઈક અપાવવાનું અને જો તેનો બોર્ડમાં નંબર આવે તો 75,000નું બાઈક અપાવવાનું.’ હવે હદ થઈ ગઈ હોય તેમ ચિરાગથી ન રહેવાયું. તે બોલી ઊઠ્યો :‘સર, હું શેખર કરતાં વધારે માર્કસ લાવીને બતાવું તો !’ચિરાગના સવાલથી તુરખિયા સ્તબ્ધ થઈ ગયા. તેઓ ચિરાગની નજીક આવ્યા અને બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માં ઉતારીને ચૂંચી આંખો સાથે ચશ્માં સાફ કરતાં બોલ્યા : ‘પ્રયત્ન કરવા સિવાય તારી પાસે બીજી કોઈ જ આવડત નથી, દોસ્ત !’
આ વખતે તો શેખરિયાનું આવી જ બન્યું, એમ વિચારીને ચિરાગે બૉર્ડની પરીક્ષા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી. સદનસીબે પ્રશ્નપત્રો પણ ચિરાગના ધાર્યા કરતાં ઘણાં સહેલાં નીકળ્યાં. પ્રૅક્ટિકલ પણ ખાસ અઘરા નહોતા. આખા વૅકેશન દરમિયાન ચિરાગ તેના રિઝલ્ટની રાહ જોતો રહ્યો. રિઝલ્ટ કરતાં શેખરની સરખામણીએ તેના કેટલા માર્કસ આવશે તે જાણવાની તાલાવેલી તેને વિશેષ હતી.અંતે પરિણામ જાહેર થયું.ચિરાગ 94 ટકા માર્કસ સાથે શાળામાં પ્રથમ અને બોર્ડમાં ચોથો આવ્યો હતો. માર્કશિટ લઈને ચિરાગ સીધો સ્ટાફરૂમમાં ગયો, પણ તુરખિયા શાળામાં હાજર નહોતા. ઓહ ! આજે તો શેખરનું પણ રિઝલ્ટ છે ને, એટલે સર ઘરે જ હશે – તેમ વિચારી ચાવડા સર પાસેથી તુરખિયાનું સરનામું લઈને તે તુરખિયાના ઘરે જવા નીકળ્યો. તુરખિયાના ઘરે પહોંચતાં જ ચિરાગને ફાળ પડી. ઘરના આંગણામાં રૂપિયા 75,000ની કિંમતનું ચકચકિત, નવુંનક્કોર એક બાઈક પડ્યું હતું.
‘હવે એ જોવાનું છે કે શેખર બૉર્ડમાં પહેલો, બીજો, ત્રીજો કે પાંચમો ?’ એમ વિચારીને ચિરાગે દરવાજો ખખડાવ્યો. તુરખિયાએ દરવાજો ખોલ્યો. અસ્તવ્યસ્ત વસ્તુઓથી ભરેલા તુરખિયાના ડ્રૉઈંગ રૂમમાં તે દાખલ થયો.‘આવ-આવ, શું નામ તારું ? હું ભૂલી ગયો…..’ તુરખિયાએ રુક્ષ સ્વરે પૂછ્યું.ચિરાગે નમ્રપણે જવાબ આપ્યો : ‘ચિરાગ શાહ.’‘હં…. શું રિઝલ્ટ આવ્યું ?’‘જી, 94 ટકા, સર ! સ્કૂલમાં ફર્સ્ટ અને બૉર્ડમાં ફોર્થ……’‘સરસ, શેમાં જવું છે ? મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ?’‘મેડિકલમાં, સર !’‘સારું, બેસ. હું તારા માટે આઈસક્રીમ મગાવું.’એમ કહીને તુરખિયા ઊભા થયા. પરંતુ ચિરાગની અધીરાઈની કોઈ સીમા નહોતી. તે તરત જ બોલી ઊઠ્યો :‘સર, શેખર….. શેખરનું રીઝલ્ટ શું આવ્યું ?’આ વાક્ય સાંભળીને તુરખિયાના પગ થંભી ગયા. હળવેકથી તેઓ ચિરાગ તરફ મોં કરીને વળ્યા. તેમની આંખમાંથી આંસુ સરી પડ્યાં, જે બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માંની આરપારથી વાસ્તવમાં ‘બોર-બોર’ જેવડાં મોટાં લાગતાં હતાં. મંથર ગતિએ ચાલતા-ચાલતા તેઓ કબાટ પાસે આવ્યા. કબાટ ખોલીને તેમણે એક મીડિયમ સાઈઝનો લેમિનેટેડ ફ્રેમ કરેલો ફોટો કાઢીને ચિરાગ તરફ ફેરવ્યો.
આશરે સોળ-સત્તર વર્ષના એક રૂપકડા છોકરાના ફોટા નીચે લખ્યું હતું : શેખર આર. તુરખિયા : જન્મતારીખ : 12-2-1980, સ્વર્ગવાસ તારીખ : 21-1-1996. ચિરાગ દિગ્મૂઢ ચહેરે તુરખિયાની સામે જોઈ રહ્યો અને તુરખિયાએ વહેતી અશ્રુધારા સાથે બાઈકની ચાવી ચિરાગ સામે ધરી. – અંશુ જોશી

Friday, January 29, 2010

I LOVE YOU STORY
IYU
કલ્પેશ વ્યાસ 25મા વર્ષે પરણીને 31મા વર્ષે વિધુર થઇ ગયા હતા. એરેન્જ્ડ મેરેજમાં સાસરિયાંઓ દ્વારા એ વાત ગુપ્ત રાખવામાં આવી હતી કે તેમની પત્ની અસ્થમાની પેશન્ટ છે. ગત ડિસેમ્બરની એક રાતે પત્નીને અસ્થમાનો ગંભીર એટેક આવ્યો અને તેણે પ્રાણ ત્યજી દીધાં. આ વાતને આજે 8 મહિનાથી વધુ સમય થઇ ગયો. જોકે લગ્નજીવનનાં 6 વર્ષ દરમિયાન વ્યાસજીને ત્યાં કોઇ બાળક નહોતું. વળી વ્યાસજી પોતે પણ મોઢાંનાં એટલા મોળા હતા કે કોઇની સાથે પ્રેમ તોશું વાત પણ માંડમાંડ કરી શકતા હતા.
1988માં રિલિઝ થયેલી ફિલ્મ ‘તેઝાબ’ જોયા બાદ તેઓ અનિલ કપૂરના જબરદસ્ત ફેન બની ગયા હતા અને અદ્દલ અનિલ કપૂર ‘કટ’ હેરસ્ટાઇલ તથા મૂછો રાખતા. રંગે ઘઉંવર્ણા અને ઊંચાઇ-શરીરમાં મધ્યમ કલ્પેશ વ્યાસને કોઇ જ પ્રકારનું વ્યસન નહોતું જેની પાછળનું મુખ્ય કારણે ઓછી આવક અને ‘કટ ટુ કટ’ ખર્ચા ગણાવી શકાય.
પોતાના કામમાં વ્યાસજી એકદમ ચોકસાઇ રાખતા. ભ્રષ્ટાચાર કરવાની તેમણે ક્યારેય હિંમત નહોતી કરી. સામાન્ય કામ માટે જે કારકૂનો લોકોને ચાર-પાંચ ધક્કા ખવડાવતા તે કામ વ્યાસજી બે કલાકમાં પતાવી આપતા. રોજ સવારે નવ વાગે સોસાયટીની બહાર આવેલાં બસસ્ટોપ ઉપર તેઓ આવીને ઊભા રહેતા. 20/1 નંબરની બસ આવે તેમાં બેસી જતા જે બસ બરાબર દસમાં પાંચ કમે તેમને ઓફિસ આગળ ઉતારી દેતી.
પત્નીનાં સ્વર્ગવાસ બાદ વ્યાસજીની દિનચર્યામાં એક કામનો ઉમેરો થયો હતો, ઓફિસ જતી વખતે ઘરને તાળું મારવાનો. ઘરને તાળું મારતી વખતે વ્યાસજી મનોમન પિતાજીનો આભાર માનતા “સારું છે બાપુજીએ મકાન બનાવી આપ્યું, નહીંતરઆટલા પગારમાં ગુજરાન કેમનું ચાલત”
આજે વ્યાસજી ઘરેથી નિર્ધારિત સમય કરતાપાંચ મિનિટ મોડા નીકળ્યા કારણ કે દૂધવાળો નિર્ધારિત સમય કરતા પાંચ મિનિટ મોડો આવ્યો હતો. પરંતુ વાંધો નહોતો કારણ કે બસ સવા નવની હતી અને બસસ્ટોપ ઘરેથી બે મિનિટનાં અંતરે. રોજિંદા જીવનમાં પડેલી પાંચ મિનિટની ખલેલને કારણે વ્યાસજીનું મન જરા ચકડોળે ચડી ગયું હતું. તેમને આજેનો દિવસ ‘અજુગતો’ લાગવા માંડ્યો હતો. તેમને થયું કે આજનો દિવસ જરા વિચિત્ર પ્રકારનો પસાર થશે. બસ આવી, સામાન્યતઃ આ સમયે બસ ખાલી જ આવતી અને વ્યાસજી સિહત બે-ચાર કાયમી મુસાફરો તેમાં ચડતાં. વ્યાસજી એક ચોક્કસ સીટ ઉપર જ બેસતા કે જે તેમને કાયમ માટે ખાલી મળી રહેતી, તેઓ ડ્રાઇવરની વિરુદ્ધ બાજુએ આવેલી છેલ્લેથી બીજી સીટ ઉપર જ બેસતા.
કંડક્ટર નજીક આવ્યો, વ્યાસજીએ તેમના શર્ટનાં ગજવામાં હાથ નાખ્યા ત્યારે ખબર પડી કે ખિસ્સું ફાટી ગયેલું છે અને તેમાંથી પાંચનો એક સિક્કો ક્યાંક પડી ગયો. નજર નીચે નાખતા એક દસની નોટ ખિસ્સાંની ફાટેલી બાજુએથી ડોકિયું કરી રહી હતી. “મને હતું જ કે આજનો દિવસ સારો નથી જવાનો.” વ્યાસજી મનોમન બબડ્યા અને દસની નોટ કંડક્ટરને આપી. કંડક્ટરે પાંચનો સિક્કો પાછો આપીને ટિકિટ ફાડી આપી. ઊભા થવાની આળસે સિક્કો વોલેટમાં ન મૂકતા વ્યાસજીએ તેને હાથમાં જ રાખ્યો અને આગલી સીટના પાછલા ભાગે સિક્કાથી સીટને કોતરવા માંડ્યા. સમય ક્યાં પસાર થઇ ગયો તેની ખબર ન રહી પણ ઓફિસ આવતા આવતા વ્યાસજીએ સીટ પાછળ કોતરી નાખ્યું
IYU

* * * * * * * *
I Y U શા માટે લખ્યું હશે આ વિચાર ઓફિસ કામ દરમિયાન વ્યાસજીને આવ્યો નહીં. ઓફિસથી છૂટીને બહાર નીકળ્યા બાદ આકાશમાં જોયું તો વરસાદ અંધાર્યો હતો. ફરી પાછો છત્રી ન લાવવાનો વસવસો વ્યાસજીએ મનોમન વ્યક્ત કર્યો અને “આજનો દિવસ સારો નથી જ” એવી તેમની માન્યતા દૃઢ બની ગઇ. બસ આવી, નિત્યક્રમ મુજબ વ્યાસજી તેમની સીટ ઉપર ગોઠવાયા, તેમના કોતરેલાં I YU ઉપર નજર પડી. પણ આ શું? તેની બાજુમાં જોયું તો કોઇએ લખ્યું હતું I YU2 વ્યાસજી સૌથી પહેલા તો એક ધબકારો જ ચૂકી ગયા. ભીની માટીની મહેક તેમના માનસપટ ઉપર છવાઇ ગઇ અને તે સાથે ભૂતકાળના કંઇક કેટલાય બનાવો તેમનાં માનસને ઘેરી વળ્યા. બારીની બહાર નજર કરીને જોયું તો વરસાદ પડતો હતો. I YU2 ઉપર તેમની નજર સ્થિતપ્રજ્ઞ થઇ ગઇ.... કંડક્ટરે સમયસર જાણ ન કરી હોત તો વ્યાસજીએ કદાચ છેલ્લાં બસસ્ટોપ ઉપર ઉતરવું પડત.
રાતે ઘરમાં પથારીમાં પડ્યા-પડ્યા વ્યાસજીને સતત એવા વિચાર આવતા રહ્યા કે આ પ્રત્યુત્તર આપનાર કોણ હશે? I YU2ની તક્તી સતત તેમની નજર સમક્ષ આવન-જાવન કરતી રહેતી હતી. “મારી સાથે મુસાફરી કરનારું તો કોઇ નહીં હોયને? ના....ના.... એ લોકો તો ક્યાં મારી સાથે બેસે જ છે, પેલો જાડો સરખો ચશ્માવાળો માણસ તો ઓફિસ પહેલાંનાં બસસ્ટોપ ઉપર જ ઉતરી જાય છે. તો પછી પેલી બોબ્ડ હેરકટવાળી બાઇ? એ તો ખૂબ જ તોછડી અને વિચિત્ર પ્રકારની બાઇ છે. એ આવું કરે પણ નહીં” વગેરે વગેરે અને ડોરબેલ વાગી. વ્યાસજીએ જોયું તો દૂધવાળો તેના નિર્ધારિત સમય કરતા પાંચ મિનિટ વહેલો આવીને ઊભો હતો.
આજે પાંચ મિનિટનો સદુપયોગ કરવા માટે વ્યાસજી ઘરને તાળું મારીને સીધા સ્ટેશનરીની દુકાન ઉપર ગયા. એક પરિકર ખરીદ્યું કે જેથી સીટ કોતરવામાં સરળતા રહે. પરિકર ખરીદીને ચેક કર્યું કે ખિસ્સું ફાટેલું તો નથીને? ખિસ્સાંમાં પરિકર લઇને વ્યાસજી બસસ્ટોપ ઉપર આવ્યા. બસમાં રોજની જગ્યાએ ગોઠવાયા બાદ વ્યાસજી સીટ કોતરવા માટે તલપાપડ થઇ રહ્યા હતા પણ “કંડક્ટર બોલશે તો?” એવી બીકે બેસી રહ્યા હતા. કંડક્ટર નજીક આવ્યો, વ્યાસજીએ ટિકિટ લીધી અને જેવી કંડક્ટરે પીઠ બતાવી કે તરત જ વ્યાસજીનો હાથ ખિસ્સાં તરફ ગયો. ઓફિસ આવતા-આવતા તેમણે પ્રત્યુત્તરની બાજુમાં લખી નાખ્યું
K.Vyas u?

* * * * * * * *
“ આ વખતે કદાચ કંઇ જ જવાબ નહીં મળે, કોણ આપણા માટે નવરું હોય આવા જવાબ લખવા? હુંય વળી મૂર્ખો આવા જવાબ લખવા માટે તો કંઇ પરિકર લેવાતું હશે?! ઘરની ચાવીથી પણ કામ ચાલી જાત. હશે, જીવનમાં આટલી બધી ભૂલો કરી છે તો થોડી વધારે.” વિચાર કરતા-કરતા ઠરીને ઠીકરું થઇ ગયેલી ચાનો એક જ ઘંટડે સપાટો બોલાવીને વ્યાસજી કેન્ટિનમાંથી ઉઠીને બસસ્ટોપ ઉપર પહોંચ્યા. બસ આવી, વ્યાસજીને સીટ મળી ગઇ, પહેલી જ નજર સીટ પાછળનાં ‘કોતરણીકામ’ ઉપર ગઇ જેમાં લખ્યું હતું PનL (પીનલ). રૂ. 30ના શેરનો ભાવ ખરીદીના બીજા જ દીવસે રૂ. 3,000નો થઇ જાય તેટલો સંતોષ વ્યાસજીને પિરકરનાં ‘ઇન્વેસ્ટમેન્ટ’નો થયો.
એકદમ ભીરૂ અને ગંભીર પ્રકારના વ્યાસજીએ આ વખતે મોટું જોખમ ખેડવાનું નક્કી કર્યું. આવું જોખમ તેમણે તેમનાં જીવનમાં ક્યારેય નહોતું ખેડ્યું. બંધાવેલું ટિફિન ગાયને ખવડાવીને વ્યાસજી ઘરની બહાર નીકળ્યા. નજીકમાં આવેલી રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો અને પ્રખ્યાત બુક સ્ટોરમાંથી જઇને એક સામટાં ચાર બાળ નામાવલી પુસ્તકો ખરીદી લીધાં.
દરેક પુસ્તકમાં ‘પીનલ’ નામ પુત્રીઓનાં નામોની યાદીમાં જ હતું એ જાણીને વ્યાસજીનો હરખ સમાતો નહોતો, “હવે તો નોકરીનો એક પણ દિવસ પડવો ન જોઇએ.” ખરા અર્થમાં તો નોકરી કરવા કરતા તેમને મન બસમાં જવાનું મહત્વ વધી ગયું હતું.
આજે સોસાયટીના બસસ્ટોપ ઉપર વ્યાસજી એકલા જ હતા પરંતુ તેમના વર્તનમાં થોડો ફેર દેખાતો હતો. તેમને હવે એકલા જ રહેવું ગમતું હતું. “ભલું થયું ભાંગી જંજાળ” મનોમન વિચારીને બસમાં ચડ્યા. ટિકિટ લઇને ઇન્ટરનેટ ઉપર ચેટિંગ કરતા હોય તેવી ભાષામાં તેમણે લખ્યું
“M here U?”
બસમાંથી ઉતરીને ઓફિસને તોતિંગ તાળું જોયું ત્યારે વ્યાસજીને ખબર પડી કે આજે તો રવિવાર છે!
* * * * * * * *
રવિવાર વ્યાસજીથી માંડમાંડ પસાર થયો. આગળની સીટનો પાછલો ભાગ સતત તેમની નજર સમક્ષ તરવર્યા કરતો હતો. અફસોસની વાત તો એ હતી કે “M here u?” નો જવાબ મેળવવા માટે છે...ક સોમવારની સાંજ પાડવાની હતી. ભાંગ પીને સ્કૂટરની સવારી કરતા હોય તેવી અવસ્થામાં માંડમાંડ સોમવારની સાંજ પડી. સીટના પાછલા ભાગ ઉપર લખ્યું હતું ‘F’. સુગંધીદાર પરફ્યુમની ભીનાશ શર્ટ ઉપર જેટલીવાર રહે તેટલીવારમાં વ્યાસજીનો દોઢ દિવસ બગડ્યાનો અફસોસ ઉડી ગયો.
બીજે દિવસે દૂધવાળો સમયસર જ આવ્યો. વ્યાસજી દૂધ ગેસ ઉપર ચડાવીને દાઢી કરવા માટે બાથરૂમમાં લટકી રહેલા આયના સામે ઊભા હતા. “આજે સીટ પાછળ શું લખવું?” એવી ગડમથલ તેમના મગજમાં ચાલી રહી હતી. I YU, I YU2, K.Vyas u?, PનL, M here U?, F આ બધું જ તેમણે યાદ કર્યું. “હવે એકાદ મુલાકાત કરીએ તો? આ વિચાર સાથે જ અચાનક રાંધણ ગેસની દુર્ગંધ તેમને આવી. રસોડામાં જઇને જોયું તો દૂધ ઉભરાઇ ગયું હતું જેના કારણે ગેસ પણ ઓલવાઇ ગયો હતો. વ્યાસજીએ મનોમન વિચાર્યું “આ તો અપશુકન થયા કહેવાય, આજે સીટ પાછળ કંઇક બીજું લખીએ,મુલાકાતનું હમણાં માંડી વાળો.”
બસસ્ટોપ ઉપર બસની રાહ જોઇ રહેલા વ્યાસજીનું મન દૂધના ઉભરાવાને કારણે બેચેન હતું. તેમને થયું કે “ફરી પાછો આજનો દિવસ બગડ્યો” એટલામાં પેલા જાડા સરખા, ચશ્માવાળા માણસે બળતાંમાં ઘી હોમ્યું “આજે એક મહિનો થયો આ રૂટ ઉપર આવાં ઠાઠિયાં જેવાં મોડલ જ મૂકે છે. આજે બસનું મોડેલ બદલી નાખે તો સારું.” અને વ્યાસજીને ફાળ પડી, ચહેરો પાંડુરોગીની જેમ ફિક્કો પડી ગયો, અડધી સેકન્ડ માટે આંખ આગળ અંધારું છવાઇ ગયું. ત્યાં તો પેલી બોબ્ડ હેરકટ વાળી બાઇ બોલી “આ આવી બસ”, વ્યાસજીએ દૂર નજર દોડાવી, તેમના ચહેરાના હાવભાવ બદલાયા અને બસ નજીક આવતા-આવતા તો હરખનાં આંસુ સિવાયના તમામ હાવભાવ વ્યાસજીનાં મુખારવિંદ ઉપર છવાઇ ગયા હતા.
“કાલે કદાચ બસ બદલાઇ જાય તો?” તેવા વિચારથી વ્યાસજીએ સીટ ઉપર કોતર્યું કે “કેન V મિટ?” પોતાની સામાન્ય ઝડપ કરતા ચારગણી વધારે ઝડપથી બધાં જ કામો પતાવીને વ્યાસજી ઓફિસનાં બસસ્ટોપ ઉપર આવી ગયા. રોજના સમય કરતા વ્યાસજી વીસ મિનિટ વહેલા બસસ્ટોપ ઉપર આવી ગયા હતા. સામાન્ય રીતે આ વીસ મિનિટ તેઓ કેન્ટિનમાં ચા પીવા જતા. “શું જવાબ હશે?” વિચારતા-વિચારતા બસ આવી પહોંચી. સીટ ઉપર જવાબ કોતર્યો હતો કે “Ya but Whr?” ડબલ્યુએચઆરને વ્યાસજી તરત જ પામી ગયા કે પિનલ જગ્યા જાણવા માગે છે.
વ્યાસજીએ તરત જ ગજવામાંથી પરિકર કાઢ્યું અને જવાબ કોતરવા માંડ્યા “ઓ ભાઇ! તમે જે ટેક્સ ભરો છો તેનાથી જ આ બસ ચાલે છે. આ બસને નુક્સાન ન કરો.” કંડક્ટરના અવાજથી વ્યાસજી ચોંક્યા. “સોરી” કહીને ટિકિટના પૈસા આપ્યા. ટિકિટ આપીને કંડક્ટર ગયો એટલે બબડ્યા “ભાઇ આજે છેલ્લો દિવસ છે. કાલ પછી મને આની જરૂર નહીં પડે.” અને તેમણે કોતર્યું SK ICEક્રિમ, Naરણપુરા, 28/8, SUN, 4PM.
રાત આખી વ્યાસજી મૂંઝાયા કે તારીખ 28મી ઓગસ્ટ રવિવારે તેમની ઇચ્છીત વ્યક્તિ એસ. કે. આઇસક્રિમ નારણપુરા ખાતે સાંજે 4 વાગે મળવા આવશે કે નહીં? નસીબજોગે બસ બદલાઇ નહીં અને સીટ પાછળ OK done નો પ્રત્યુત્તર વાંચીને તેમની ખુશીઓની કોઇ સીમા ન રહી. કારણ કે આજે શનિવાર હતો હવે તેમણે માત્ર બીજા દિવસે સાંજના 4 વાગવાની રાહ જોવાની હતી.
* * * * * * * *
રવિવારે વ્યાસજીનો મૂડ કંઇક અલગ જ હતો. બહાર પહેરવા માટેની કપડાંની સુંદર જોડી પલંગ ઉપર જ મૂકી રાખી હતી. “અત્યારે કપડાં પહેરી લઉં અને સાંજે 4 વાગ્યા સુધી ચોળાઇ જાય તો?” એવા વિચારે સાડા ત્રણ વાગ્યા સુધી વ્યાસજીએ ઘરમાં ગંજી અને ટુવાલ પહેરીને જ આંટા માર્યા. ટનાટન તૈયાર થઇને વ્યાસજી દવાવાળાની દુકાને ગયા, એક બોડી સ્પ્રે લીધું, છાંટ્યું પછી દવાવાળાને કહ્યું “અત્યારે તમારી પાસે જ રાખો સાંજે લઇ જઇશ.” બરાબર 4ના ટકોરે વ્યાસજી એસ. કે. આઇસક્રિમ પાર્લર ઉપર પહોંચ્યા. પાર્લર ઉપર ઘણાં છોકરા-છોકરીઓ ઊભાં હતાં. પરંતુ એક છોકરી એકલી ખૂણામાં ઊભી હતી. તેણે વ્યાસજી સામે જોયું પણ કોઇ બીજી પ્રતિક્રિયા ન કરી. “આ જ છોકરી તો નહીં હોય ને?!” આવી અસમંજસ અને દ્વિધામાં 15 મિનિટ પસાર થઇ ગઇ. “પહેલ મારે જ કરવી પડશે.” એમ વિચારીને વ્યાસજી એ યુવતી તરફ વળ્યા કે તેમના પેન્ટના પાછલાં ખિસ્સાનાં ભાગે એક નાજુક સ્પર્શ થયો. એક બાઇક ઉપર યુવક આવ્યો. ખૂણામાં ઉભેલી યુવતી તેની પાછળ બેસીને જતી રહી. વ્યાસજીની નજર એ યુવતી ઉપર હતી કે ફરી વખત વ્યાસજીના પેન્ટનાં ખિસ્સા પાસે નાજુક સ્પર્શ થયો. વ્યાસજીએ પાછળ વળીને નીચે જોયું તો એક નવ-દસ વર્ષની બાળકી તેમને બોલાવી રહી હતી. તેણે પૂછ્યું “કે. વ્યાસ? બસની સીટ પાછળ લખતા હતા તે જ ને?”
વ્યાસજીને કોઇ બોલાવે તો તે બધા સાથે પ્રેમથી વાત કરતા વ્યાસજીએ જવાબ આપ્યો “હા પણ તું?” “હું પિનલ!” વ્યાસજી બઘવાઇ ગયા, ગળું સૂકાવા માંડ્યું. વ્યાસજીને આ આઘાતમાંથી કળ વળે તે પહેલાં પિનલે ફરી કહ્યું “અંકલ એક વાત કહું? તમે એકદમ મારા પપ્પા જેવા લાગો છો.” વ્યાસજીએ ફિક્કા અને રૂક્ષ સ્વરે કહ્યું “તો તારે તારા પપ્પાને લઇને આવવું જોઇએ ને?” પિનલે વિના વિલંબે જ જવાબ આપ્યો “મમ્પી અને પપ્પાતો ભગવાનના ઘરે ગયાં....”
કશુંક ન બોલવાનું બોલાઇ ગયાનો અહેસાસ વ્યાસજીને કાંટાની જેમ ખૂંચ્યો. ક્ષણેકવારની શાંતિ બાદ વ્યાસજીએ પૂછ્યું “એકલી જ આવી છે?” હાજરજવાબી પિનલે તરત જ કહ્યું “બાજુમાં જ મારી સોસાયટીનો ઝાંપો છે.” વાતને સહેજ વધારવા વ્યાસજીએ વિવેક કર્યો “આઇસક્રિમ ખાવો છે?” “હા, ચોકલેટ ફ્લેવર” વ્યાસજી આઇસક્રિમ લેવા ફર્યા કે પિનલે તરત જ કહ્યું “અંકલ એક વાત તો કહેવાની જ રહી ગઇ આઇ લવ યુ અંકલ.” વ્યાસજીથી માંડમાંડ બોલી શકાયું “આઇ લવ યુ ટુ બ...બ...બેટા.”