Tuesday, August 24, 2010

શેખર

પ્રથમ તાસ પૂરો થવાનો બેલ વાગતાંની સાથે જ વર્ગશિક્ષક ચાવડાએ કલાસમાંથી વિદાય લીધી. આ સાથે જ વર્ગ 12-અમાં વિદ્યાર્થીઓનો શોરબકોર શરૂ થયો. હવે પછીનો તાસ રસિકલાલ જે. તુરખિયાનો હતો. તુરખિયા કલાસમાં લગભગ બે-ચાર મિનિટ મોડા જ આવતા. દૂર લૉબીમાં તુરખિયા આવતા દેખાયા, પરંતુ કોઈ જ વિદ્યાર્થીનું ધ્યાન તેમના ઉપર નહોતું. તુરખિયા કલાસના દરવાજે આવીને ઊભા રહ્યા તોય વિદ્યાર્થીઓનો શોરબકોર ચાલુ જ હતો.
બેઠી દડીનો ઘાટ, અદોદળી ફાંદ અને આંખ ઉપર બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માં પહેરી રાખનારા તુરખિયા ક્યારેય ઈન-શર્ટ કર્યા વિના શાળામાં ન આવતા. અચાનક જ વિદ્યાર્થી-ગણગણાટમાં પરિવર્તન થયું અને ત્યાર બાદ નીરવ શાંતિ છવાઈ ગઈ. બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માંની આરપાર તુરખિયાની આંખો ગુસ્સાથી ફાટી ગયેલી લાગતી હતી. જોકે આમ પણ બિલોરી કાચને લીધે તેમની આંખો મોટી તો લાગતી જ હતી, પણ આ વખતે આંખોનું કદ જરા વધારે વિસ્તરેલું લાગતું હતું.
નીરવ શાંતિ વચ્ચે કોલ્હાપુરી ચપ્પલના ચરડ-ચરડ અવાજ સાથે તુરખિયાએ વર્ગખંડમાં પ્રવેશ કર્યો અને આદેશાત્મક ભાવ તેમ જ અવાજ સાથે બોલ્યા, ‘અવરોધકતા એટલે શું ? તે શેની ઉપર આધાર રાખે છે ? તેની વ્યાખ્યા અને એકમ જણાવો.’ ભૌતિકવિજ્ઞાનના શિક્ષક રસિકલાલ જે. તુરખિયાના આ સવાલથી વર્ગખંડમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. બધા વિદ્યાર્થીઓના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું. કલાસમાં બેઠેલા વિદ્યાર્થીઓની 80 આંખો અન્યમનસ્ક ચહેરે જાડાં બિલોરી કાચ જેવાં ચશ્માંને તાકી રહી. પોતાના પ્રશ્નનો કોઈ જ ઉત્તર ન મળતાં તુરખિયાનો ચહેરો લાલઘૂમ થયો અને એક ત્રાડ પડી, ‘એય ! મરી જશો મરી ! તમારો બાપોય બોર્ડમાં પાસ નહીં કરે. ગધેડાઓ ! હાલી શું મર્યા છો ! સાહેબ કલાસમાં સ્હેજ મોડા પડ્યા નથી કે ખાખા ને ખીખી કરીને વાતું જ કર્યા કરો છો ! તમારો કોઈ જ કલાસ નથી. આ વર્ગમાંથી એક પણ વિદ્યાર્થી બૉર્ડમાં નંબર તો શું લાવે, પાસ થવાને પણ લાયક નથી !’
એમ કહી તુરખિયા કલાસ-ટીચરની ખુરશી ખેંચીને તેના ઉપર બેઠા. તુરખિયા બેસી જાય એટલે તેમનું ભાષણ પૂરું થઈ ગયું એવું ક્યારેય ન બનતું. વળી પાછું તેમણે ચલાવ્યું, ‘વિદ્યાર્થી મહેનત કેવી રીતે કરે ઈ જોવું હોય તો મારા શેખરને જુઓ. સેંટ ઝેવિયર્સમાં ભણે છે. પહેલી ટેસ્ટમાં 89 પર્સન્ટેજ આવ્યા અને ઈ પણ બાર સાયન્સમાં ! હા, ટકા ઓછા કહેવાય, બટ હી વૉઝ ફર્સ્ટ ઈન હિઝ કલાસ.’
તુરખિયાની આ એક અજબ વિશેષતા હતી. જ્યારે પણ ભણવાની, હોશિયારીની કે પછી બ્રિલિયન્ટ કરિયરની વાત આવે ત્યારે તેઓ તેમના દીકરા શેખરના નામનો અચૂક ઉલ્લેખ કરતા. તેમના મતે શેખર વિશ્વનો આદર્શ વિદ્યાર્થી તેમ જ પુત્ર હતો. આજ્ઞાંકિત પિતાની તમામ પ્રકારે સંભાળ લેનારો, રસિકલાલ જે. તુરખિયાનો એકમાત્ર વંશજ શેખર આર. તુરખિયા. તુરખિયા શેખરની વાતો વર્ગમાં એવી રીતે કરતા કે જાણે શેખર સેંટ ઝેવિયર્સનો નહીં પણ આ જ માધ્યમિક શાળાના વર્ગ 12-અમાં ભણતો કોઈ વિદ્યાર્થી હોય. તુરખિયા દ્વારા કરવામાં આવેલા શેખરના પાત્ર-નિરૂપણથી અંજાઈને વર્ગના બે-ચાર વિદ્યાર્થીઓ તો શેખર જેવા જ બનવાનો પ્રયત્ન કરવા લાગી પડ્યા હતા. શેખર બનવાનો પ્રયત્ન કરનારા વિદ્યાર્થીઓમાં એક ચિરાગ પણ હતો. જ્યારે પણ તુરખિયાના મોંમાંથી ‘શેખર’ નામનો શબ્દ સરી પડે એટલે તરત જ ચિરાગના કાન સરવા થઈ જતા. શેખર વિશેની તમામ વાતો ચિરાગ ધ્યાનપૂર્વક સાંભળતો. શેખર વિશેની વાતો સાંભળ્યા બાદ તેને સતત એવું લાગ્યા કરતું કે તેના અને શેખરમાં કંઈ વધારે ફેર નથી. પરંતુ ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં તુરખિયા ચિરાગને ખાસ મચક ન આપતા. તેમને મન બસ શેખર જ સર્વસ્વ હતો.
હાથની મુઠ્ઠીમાંથી રેત સરકે તેમ સમય સરકતો રહ્યો. દિવાળીનું વૅકેશન ક્યાં પૂરું થઈ ગયું તેની ખબર ન રહી અને 12 સાયન્સની પ્રીલિમિનરી પરીક્ષા માથે ઝળૂંબવા લાગી. આ વખતે ચિરાગે મનોમન નક્કી કરી લીધું હતું કે તુરખિયા સરના શેખર કરતાં તે એક માર્ક વધારે લાવીને બતાવશે. ચિરાગે પરીક્ષામાં પાસ થવા માટે તનતોડ મહેનત કરી. ભૌતિકવિજ્ઞાનનું પેપર લખવા વિદ્યાર્થીઓ બેઠા હતા, પણ આ શું ? પેપર વાંચતાંની સાથે જ પરીક્ષાખંડમાં બેઠેલા બધા વિદ્યાર્થીઓના મોતિયા મરી ગયા. વિદ્યાર્થીઓના ભાલપ્રદેશ ઉપર પ્રસ્વેદબિંદુઓ તગતગી રહ્યાં હતાં. ધવલ અને રીના જેવાં સંવેદનશીલ વિદ્યાર્થીઓ તો બેભાન થઈને પરીક્ષાખંડમાં જ ઢળી પડ્યાં. ચિરાગ પણ ખાસ્સો અસ્વસ્થ થઈ ગયો હતો. પરંતુ તેણે મન મનાવી લીધું. ‘આટલું અઘરું પેપર બૉર્ડમાં પુછાય તો નહીં જ. પણ પુછાશે તો ?! તો આ જ પ્રકારના પેપરની પ્રેક્ટિસ કાલથી ચાલુ કરી દઈશું. હજી તો બૉર્ડની પરીક્ષા માર્ચ 2008માં છે. પૂરા બે મહિનાની વાર છે ને ?’ એમ માનીને ચિરાગે પેપર લખવાની શરૂઆત કરી. પરિણામ અપેક્ષિત જ હતું. માધ્યમિક શાળાની ભૌતિકવિજ્ઞાનની પ્રીલિમિનરી પરીક્ષામાં 12-અના 40માંથી 39 વિદ્યાર્થીઓ નાપાસ થયા. એકમાત્ર ચિરાગ પાસ થયો હતો અને તે પણ 100માંથી 37 માર્કસ સાથે. કલાસમાં પેપર બતાવતી વખતે તુરખિયાએ ફરી એક વખત શેખરની વાતનો ઉલ્લેખ કર્યો : ‘શેખરિયાએ તો આપણી સ્કૂલનું પેપર જોઈને ફેંકી દીધું હો ! મને કહે, સાવ ફોફા જેવું પેપર છે. આવાં પેપર સોલ્વ કરવામાં હું મારો સમય ન બગાડું !’ ફરી એક વખત આખા કલાસનું મોં ખસિયાણું પડી ગયું. ફિઝિક્સમાં માત્ર 37 માર્કસ આવવાને કારણે ચિરાગનો મૂડ બગડી ગયો હતો, એટલે શેખર સાથે સ્પર્ધા કરવાનું તેણે બોર્ડની પરીક્ષા ઉપર ઠેલ્યું.
હવે માર્ચ 2008ની બોર્ડની પરીક્ષા ચિરાગ માટે શેખર સાથે સ્પર્ધા કરવાનો આખરી મોકો હતી. જો આ મોકો હાથમાંથી નીકળી જાય તો ખલાસ. શેખર આજીવન તુરખિયાના હૃદયમાં ‘હીરો’ બનીને રહી જાય તેમ હતું. તેને ખબર હતી કે એક બાપ તેના દીકરા કરતાં વિશેષ બીજા કોઈનેય પ્રેમ ન કરી શકે. જોકે ચિરાગને તુરખિયાના હૃદયમાં ક્યારેય સ્થાન લેવું નહોતું. તેણે તો માત્ર એક જ વાત સાબિત કરવી હતી કે શેખર કરતાં પણ હોશિયાર વિદ્યાર્થીઓ ઘણી શાળાઓમાં ભણે છે અને તેમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ તો તેના પિતાજી એટલે કે રસિકલાલ જે. તુરખિયાના હાથ નીચે જ ભણે છે !
અચાનક એક દિવસ શાળામાં નોટિસ નીકળી. નોટિસ પિકનિક માટેની હતી. એમાં શરત એટલી જ હતી કે જો સાયન્સના વિદ્યાર્થીઓ પિકનિકમાં જોડાશે તો તેમને રીડિંગ વૅકેશન બૉર્ડની પરીક્ષાના એક સપ્તાહ પહેલાં જ મળશે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે શાળાએ આવવાનું રહેશે. જોકે આ અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓએ આચાર્ય સમક્ષ મૌખિક જણાવવાનો હતો. ધવલ પંડ્યાને આ પ્રકારની ઈતર પ્રવૃત્તિઓમાં વધારે રસ હતો. વળી, તેની નેતૃત્વ-શૈલી પણ સારી હોવાને કારણે તેણે આખાય કલાસને પિકનિક માટે ‘પટાવી’ લીધો. ચિરાગની ઈચ્છા પિકનિકમાં જવાની બિલકુલ નહોતી, પરંતુ અભ્યાસમાં તેજસ્વી હોવાને કારણે તેના પિતાએ પણ તેને પરવાનગી આપી અને ચિરાગે પણ મનમાં વિચાર્યું કે ‘એક મહિનાના રીડિંગ વૅકેશનને શું ધોઈ પીવાનું છે ? પિકનિક પૂરી થયા બાદ સ્કૂલમાં આવીને રીવિઝન કરીશું.’
હંમેશની આદત મુજબ તુરખિયાને પિકનિક સામે મોટો વાંધો હતો. એક વાર લાઈબ્રેરી પાસેની લૉબીમાં ચિરાગ ઊભો હતો ત્યારે તુરખિયાએ કહ્યું હતું કે ‘તમારે મન પિકનિકનું આટલું બધું શું મહત્વ છે ? ભણો, કારકિર્દી બનાવો. તમે આઠમા-નવમામાં નથી કે પિકનિકમાં જાઓ છો. આપણી સ્કૂલનું મૅનેજમેન્ટ પણ સાવ બુડથલ છે. તમારા કલાસની જવાબદારી મને સોંપી છે એટલે મારે કમને પણ પિકનિકમાં આવવું જ પડશે. તું તારી કરિયરને ગંભીરતાથી લે. આ તો મને તારામાં જરા સ્પાર્ક દેખાય છે એટલે કહું છું.’ તુરખિયા પોતાને એક સારો વિદ્યાર્થી માને છે તે જાણીને ચિરાગને હાશકારો થયો. પિકનિકના દિવસે તુરખિયાનો આખો મૂડ જ બદલાઈ ગયો હતો. વિદ્યાર્થીઓએ તેમને આટલા બધા મૂડમાં ક્યારેય જોયા નહોતા. બસમાં સીડી પ્લેયર વાગ્યું કે તરત જ તુરખિયાના પગ થનગની ઊઠ્યા. બેઠી દડીના અને અદોદળી ફાંદ સાથે પણ તુરખિયાએ ડાન્સ કર્યો. આ ઘટનાને વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટ તેમ જ કિકિયારીઓ સાથે વધાવી લીધી.
ગલતેશ્વરના નદીકિનારે એકાંતની પળોમાં ચિરાગે તુરખિયાની નજીક આવવાનો પ્રયત્ન કર્યો. શેખરની વાત સિવાય બીજી એવી કોઈ વાત નહોતી કે જે તુરખિયા અને ચિરાગ વચ્ચેનો સંવાદ શરૂ કરાવી શકે. ડરતાં-ડરતાં ચિરાગે પૂછ્યું : ‘સર, શેખરને પિકનિકમાં લઈ આવ્યા હોત તો સારું હતું.’મજાકમાં હસી કાઢતા હોય તેમ તુરખિયાએ કહ્યું, ‘ભાઈ, શેખર તમારી જેમ ઉછાંછળો નથી. અત્યારે હું બહાર છું, પણ ઘરે જઈશ એટલે એણે તમામ વિષયનાં પેપર લખીને રાખ્યાં હશે. એનું ધ્યેય મેડિકલ લાઈન સિવાય બીજે ક્યાંય નથી. અમારા બેય વચ્ચે અત્યારથી જ ડીલ થઈ ગઈ છે કે જો એ મેડિકલમાં એડમિશન લે તો મારે તેને 55,000નું બાઈક અપાવવાનું અને જો તેનો બોર્ડમાં નંબર આવે તો 75,000નું બાઈક અપાવવાનું.’ હવે હદ થઈ ગઈ હોય તેમ ચિરાગથી ન રહેવાયું. તે બોલી ઊઠ્યો :‘સર, હું શેખર કરતાં વધારે માર્કસ લાવીને બતાવું તો !’ચિરાગના સવાલથી તુરખિયા સ્તબ્ધ થઈ ગયા. તેઓ ચિરાગની નજીક આવ્યા અને બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માં ઉતારીને ચૂંચી આંખો સાથે ચશ્માં સાફ કરતાં બોલ્યા : ‘પ્રયત્ન કરવા સિવાય તારી પાસે બીજી કોઈ જ આવડત નથી, દોસ્ત !’
આ વખતે તો શેખરિયાનું આવી જ બન્યું, એમ વિચારીને ચિરાગે બૉર્ડની પરીક્ષા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી. સદનસીબે પ્રશ્નપત્રો પણ ચિરાગના ધાર્યા કરતાં ઘણાં સહેલાં નીકળ્યાં. પ્રૅક્ટિકલ પણ ખાસ અઘરા નહોતા. આખા વૅકેશન દરમિયાન ચિરાગ તેના રિઝલ્ટની રાહ જોતો રહ્યો. રિઝલ્ટ કરતાં શેખરની સરખામણીએ તેના કેટલા માર્કસ આવશે તે જાણવાની તાલાવેલી તેને વિશેષ હતી.અંતે પરિણામ જાહેર થયું.ચિરાગ 94 ટકા માર્કસ સાથે શાળામાં પ્રથમ અને બોર્ડમાં ચોથો આવ્યો હતો. માર્કશિટ લઈને ચિરાગ સીધો સ્ટાફરૂમમાં ગયો, પણ તુરખિયા શાળામાં હાજર નહોતા. ઓહ ! આજે તો શેખરનું પણ રિઝલ્ટ છે ને, એટલે સર ઘરે જ હશે – તેમ વિચારી ચાવડા સર પાસેથી તુરખિયાનું સરનામું લઈને તે તુરખિયાના ઘરે જવા નીકળ્યો. તુરખિયાના ઘરે પહોંચતાં જ ચિરાગને ફાળ પડી. ઘરના આંગણામાં રૂપિયા 75,000ની કિંમતનું ચકચકિત, નવુંનક્કોર એક બાઈક પડ્યું હતું.
‘હવે એ જોવાનું છે કે શેખર બૉર્ડમાં પહેલો, બીજો, ત્રીજો કે પાંચમો ?’ એમ વિચારીને ચિરાગે દરવાજો ખખડાવ્યો. તુરખિયાએ દરવાજો ખોલ્યો. અસ્તવ્યસ્ત વસ્તુઓથી ભરેલા તુરખિયાના ડ્રૉઈંગ રૂમમાં તે દાખલ થયો.‘આવ-આવ, શું નામ તારું ? હું ભૂલી ગયો…..’ તુરખિયાએ રુક્ષ સ્વરે પૂછ્યું.ચિરાગે નમ્રપણે જવાબ આપ્યો : ‘ચિરાગ શાહ.’‘હં…. શું રિઝલ્ટ આવ્યું ?’‘જી, 94 ટકા, સર ! સ્કૂલમાં ફર્સ્ટ અને બૉર્ડમાં ફોર્થ……’‘સરસ, શેમાં જવું છે ? મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ?’‘મેડિકલમાં, સર !’‘સારું, બેસ. હું તારા માટે આઈસક્રીમ મગાવું.’એમ કહીને તુરખિયા ઊભા થયા. પરંતુ ચિરાગની અધીરાઈની કોઈ સીમા નહોતી. તે તરત જ બોલી ઊઠ્યો :‘સર, શેખર….. શેખરનું રીઝલ્ટ શું આવ્યું ?’આ વાક્ય સાંભળીને તુરખિયાના પગ થંભી ગયા. હળવેકથી તેઓ ચિરાગ તરફ મોં કરીને વળ્યા. તેમની આંખમાંથી આંસુ સરી પડ્યાં, જે બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માંની આરપારથી વાસ્તવમાં ‘બોર-બોર’ જેવડાં મોટાં લાગતાં હતાં. મંથર ગતિએ ચાલતા-ચાલતા તેઓ કબાટ પાસે આવ્યા. કબાટ ખોલીને તેમણે એક મીડિયમ સાઈઝનો લેમિનેટેડ ફ્રેમ કરેલો ફોટો કાઢીને ચિરાગ તરફ ફેરવ્યો.
આશરે સોળ-સત્તર વર્ષના એક રૂપકડા છોકરાના ફોટા નીચે લખ્યું હતું : શેખર આર. તુરખિયા : જન્મતારીખ : 12-2-1980, સ્વર્ગવાસ તારીખ : 21-1-1996. ચિરાગ દિગ્મૂઢ ચહેરે તુરખિયાની સામે જોઈ રહ્યો અને તુરખિયાએ વહેતી અશ્રુધારા સાથે બાઈકની ચાવી ચિરાગ સામે ધરી. – અંશુ જોશી

3 comments: